અંગ્રેજી દવા લેવા સિવાયની મારી બધી સલાહ બાપુ માનતા…

અંગ્રેજી દવા લેવા સિવાયની મારી બધી સલાહ બાપુ માનતા
બાપુ મને ક્યારેક શિખવાડતા તો ક્યારેક હું એમના પર મારું જ્ઞાન ઠોકી બેસાડતી. એ હસીને સ્વીકારી લેતા… ક્યારેક કહેતા, આ અંગૂઠા જેવડી છોકરી મને ધમકાવે છે. એમના સ્નેહ અને વહાલને મેં એટલાં તો આત્મસાત્ કર્યાં કે એમણે મને પોતાની પર્સનલ ફિઝિશિયન – અંગત દાક્તર તરીકે સ્વીકારી લીધેલી
કથા કોલાજ – કાજલ ઓઝા વૈદ્ય
નામ : ડૉ. સુશીલા નૈયર

સ્થળ : દિલ્હી

ઉંમર : પપ વર્ષ

સમય : ૧૯૬૯

આજે મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની સ્થાપના થઈ. હું માની નથી શક્તી કે બાપુ આપણી વચ્ચે નથી. ભારત આઝાદ થયો ત્યારે દિલ્હી એસેમ્બલીનાં પહેલા સ્પીકર તરીકે મેં કામ સંભાળેલું. એ પછી દિલ્હી રાજ્યની આરોગ્યમંત્રી તરીકે ૧૯પર-૧૯પપ સુધી હું રહી. દિલ્હી વિધાનસભામાં અને ભારત સરકારના આરોગ્યપ્રધાન તરીકેની જવાબદારી મેં ૧૯૬રથી ૧૯૬૭ સુધી સંભાળી. ઇન્દિરાજી જ્યારે સત્તા પર આવ્યાં ત્યારે મને સમજાયું કે એ નહેરુનાં પુત્રી જરૂર હતાં, પણ એમની રહેણીકરણી-જીવનશૈલી અને વિચારો સાવ અલગ હતા. મને સમજાઈ ગયું કે હું એમની સાથે બહુ લાંબું ખેંચી નહીં શકું, મેં રાજીનામું આપી દીધું. એ પછીનો મારો બધો જ સમય અને શક્તિ મેં મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ઊભું કરવા માટે ખર્ચી નાખ્યા… બાપુનું નામ સ્વાસ્થ્ય સિવાય બીજી કઈ બાબત સાથે હું જોડી શકું!

મારા મોટા ભાઈ પ્યારેલાલજી બાપુની ખૂબ નજીક હતા. બાપુના પર્સનલ સેક્રેટરી તરીકે કામગીરી બજાવતા. બાપુ લેખો લખાવે તે, એમના પત્રોના જવાબ, એમની તારીખો, સભાઓ અને મુલાકાતો મારા ભાઈ પ્યારેલાલજી સંભાળતા. મહાદેવભાઈ દેસાઈ પણ એ વખતે નવાસવા. હું મારા ભાઈના આશ્રમમાં આવી ત્યારે તોતારામજી પાસે હિન્દી શીખતી. મારા મોટા ભાઈ પ્યારેલાલજી ગોળમેજી પરિષદમાંથી પાછા ફર્યા અને સ્વાતંત્ર્યસંગ્રામમાં જેલમાં ગયા ત્યારે મને દિલ્હીની લેડી હાર્ડિજ મેડિકલ કૉલેજમાં એડમિશન મળ્યું. મારી મા ત્યારે દરેક વેકેશનમાં મને આશ્રમ મોકલવાનો આગ્રહ રાખતી. દાક્તરી ભણી લીધા પછી મને જ્યારે કામ કરવાનું પૂછ્યું ત્યારે મેં સેવાગ્રામમાં રહેવાનું નક્કી કર્યું. મને મારા ડૉક્ટર હોવા પર ઘણું અભિમાન હતું. જોકે, હું જે ભણી એ બધું ઘણું ઊંચી કક્ષાનું વિજ્ઞાન હતું. સાધનો અને સગવડ વગર મારું જ્ઞાન અધૂરું લાગતું. મારી ડિગ્રી હોસ્પિટલોમાં કામ કરવા માટેની હતી, જ્યારે ગાંધીજીએ મને રોજિંદી જિંદગી વિશે પ્રશ્ર્નો પૂછવા માંડ્યા… મારી પાસે જવાબ નહોતા. બાપુએ હસીને મને રોજિંદી જિંદગીમાંથી આરોગ્ય, પોષણ, સ્વચ્છતા અને રોગ નિવારણનું ઔષધ બતાવવા માંડ્યું.

મારા ગયા પછી તરત જ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો… બાપુએ મને કહ્યું, “તારે ગામને હોસ્પિટલ માનવાની છે અને એકેએક ઝૂંપડાને વોર્ડ માનીને કામ કરવાનું છે. હું તો દિલ્હીની હોસ્પિટલમાં ભણીને આવેલી. ગલીઓના મળ અને ગંદા કૂવા જોઇને મને ચિતરી ચડી જતી. જોકે, મેં અને મારા સાથીઓએ કામ તો ઉપાડી લીધું. બાપુ સાથે થોડા દિવસ રહેવાની હતી એને બદલે મેં જીવનભર ત્યાં જ રહેવાનું નક્કી કરી લીધું. બાપુની નાનકડી ડિસ્પેન્શરી, જેમાં એનિમા, દિવેલ, સોડાબાયકાર્બ, માટીના પેડ, ટબબાથ, કટિસ્નાન અને સૂર્યસ્નાનની સાથે સાથે નેચરોપથીના પ્રયોગો થતા. મેં એમાંથી એક હોસ્પિટલ ઊભી કરવાની ગાંઠ વાળી. ધીમે ધીમે સેવાગ્રામની આસપાસનાં ગામડાઓમાં પણ અમારી હોસ્પિટલની ખ્યાતિ ફેલાવા લાગી.

બાપુ મને ક્યારેક શીખવાડતા તો ક્યારેક હું એમના પર મારું જ્ઞાન ઠોકી બેસાડતી. એ હસીને સ્વીકારી લેતા… ક્યારેક કહેતા, “આ અંગૂઠા જેવડી છોકરી મને ધમકાવે છે. એમના સ્નેહ અને વ્હાલને મેં એટલા તો આત્મસાત્ કર્યા કે એમણે મને પોતાની પર્સનલ ફિઝિશિયન – અંગત દાક્તર તરીકે સ્વીકારી લીધેલી. ક્યારેક કોઈકની હાજરીમાં મારે કંઈક કહેવું હોય તો હું દરવાજે જઈને ઊભી રહેતી. બાપુ મારું મોંઢું જોઈને જ સમજી જતા. સૌની સામે હસીને કહેતા, “ભાઈ! મારી દાક્તર મને સલાહ આપવા આવી છે. પછી પોતાની સામે પડેલું ભોજન કે બીજી કોઈ વસ્તુ મને બતાવીને કહેતા, “કહો આમાંથી શું લેવાનું ને શું નહીં? ને હું જે પ્રમાણે સલાહ આપું એ સામાન્ય રીતે માન્ય રાખતા. બસ! અંગ્રેજી દવા લેતા નહીં.

મારા મોટા ભાઈએ મારું સગપણ કાકાસાહેબ કાલેલકરના નાના દીકરા બાલકૃષ્ણ કાલેલકર સાથે કરેલું, પરંતુ મને ગૃહસ્થાશ્રમ શરૂ કરવાની કોઈ ઇચ્છા નહોતી. મેં બાલકૃષ્ણ ભાઈને લગ્ન કરવાની સ્વતંત્રતા આપી દીધી. એમણે લગ્ન કરી લીધા, ત્યારે બાપુએ મને કહેલું, “સુશીલા, જે કરે તે વિચારીને કરજે. સત્યાગ્રહના જુવાળમાં આવીને એવો નિર્ણય નહીં કરતી જેમાં પછી પસ્તાવું પડે. તું જુવાન છે. બ્રહ્મચર્યના મારા ખ્યાલો સંસાર ભોગવ્યા પછી આવ્યા છે. જો તારી એમ ઇચ્છા હોય તો… ત્યારે મેં બાપુને જવાબ આપેલો, “હું મારા ભાઈ-બહેનોની સેવામાં જીવન વિતાવવા માગું છું. સંસારની જવાબદારી લઈશ તો મારા કામમાં અંતરાય ઊભો થશે એમ મને લાગે છે. એમણે હસીને સંમતિ આપેલી.

૧૯૪૬માં બિહાર અને નોઆખલીની હિંસાઓ દરમિયાન બાપુ ત્યાં પહોંચ્યા. અમે એમની સાથે કામ કરવાનું સ્વીકારેલું. બાપુ ભય અને ક્રોધને જીતતા શીખવાડતા. એક મોટા તૂટી ગયેલા મકાનના બચી ગયેલા નાનકડા ઓરડામાં હું મારી ડિસ્પેન્સરી ચલાવતી. એક દિવસ એક તોફાની ટોળું ધસી આવ્યું. લૂંટ-ફાટ અને તોડફોડ કરવા લાગ્યું. બાપુના ફોટાની ફ્રેમનો કાચ તૂટીને એ ટોળીના સરદારના પગમાં પેસી ગયો. અમે એને જબરજસ્તી બેસાડીને કાચ કાઢ્યો ને પાટો બાંધ્યો… એ માણસે અમારા દવાખાનાને મદદ કરવા માંડી. એ પછી મુસલમાનોની વસતી વચ્ચે રાત-દિવસ કામ કરવામાં મને, એક હિંદુ છોકરીને કદીયે વાંધો નથી આવ્યો…

૧૯૪૭ના પહેલા અઠવાડિયામાં અમે રાવલપિંડી હતાં. મને યાદ છે, એ પછી અમે દિલ્હી આવ્યા ત્યારે ૧૩ જાન્યુઆરીએ બાપુએ જીવનના છેલ્લા ઉપવાસ શરૂ કરેલા. ર૧ દિવસ ચાલ્યા… બારમે કે તેરમે દિવસે તો અમે પાણીમાં સંતરાનો રસ ઉમેરીને પાણી પીવડાવ્યું. રોજેરોજ એમનું વજન ઘટતું, પણ સંતરાના પાણી પછી ચાર રતલ વધ્યું… બાપુ ચીડાઈ ગયેલા, “તમે કંઈક તો કર્યું જ છે. એમણે કહેલું. પેશાબમાં એસિટોન આવતું. મેં ખૂબ દલીલો કરી, પણ એમણે કંઈ સાંભળ્યું નહીં. ઊલટાનું મને કહે, “તારા વિજ્ઞાન પાસે બધા જ જવાબ છે? ગીતામાં ભગવાને કહ્યું છે, હું મારા એક અંશ વડે આખા જગતમાં વ્યાપ્યો છું. જો એ મને બચાવવા માગતો હશે તો મને કોઈ વાંધો નહીં આવે.

આ જ બાપુને બાના મૃત્યુ વખતે ઢીલા થયેલા જોયા છે મેં… રર ફેબ્રુઆરી, ૧૯૪ર. આખો દેશ બેતાલીસની ચળવળમાં ઉશ્કેરાટ અનુભવતો હતો. બા આગાખાન જેલમાં હતાં. વિદેશી કપડાની હોળી થઈ રહી હતી ત્યારે બાની તબિયત ખૂબ બગડેલી. ડૉક્ટરે પેનિસિલીન આપવાનું કહ્યું, પણ બાપુએ તો પોતાની વાત પકડી રાખી, “પેનિસિલીન આપવાથી જો એ બચવાની હોય તો જરૂર આપો. અંગ્રેજી દાક્તર પાસે આનો જવાબ નહોતો. બાપુએ કહ્યું, “શું કામ સોયા ટોંચો છો? એને પડી રહેવા દો, ઈશ્ર્વરના ભરોસે શાંતિથી. મારી અંદર રહેલું અંગ્રેજી પદ્ધતિનું દાક્તરી વિજ્ઞાન એ દિવસે ઊછળી આવેલું. મેં દલીલ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે બાપુએ કહેલું, “બધું જ ભૂલી ગઈ સુશીલા? પોતાના ઉપર વીતે ત્યારે પણ જે ન બદલાય એનું નામ સિદ્ધાંત.

એ પછીનો સમય બહુ કપરો હતો. બાપુની છાતીના ટેકે માથું ટેકવીને બેઠેલા બાને જોઈને મારાથી રડવાનું રોકાયું નહીં… ત્યારે બાપુએ કહેલું, “સહુ જવાનાં. હું ય તે… ત્યારે કલ્પના પણ નહોતી કે બાપુ પણ એક દિવસ સૌને છોડીને ચાલી જશે, કાયમ એમની સાથે રહેનારી હું – બાપુના અંત સમયે જ નહીં હોઉં એવી કલ્પના પણ નહોતી મને!

૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ સવારે આભાએ ગીતા વાંચી, કારણ કે હું પાકિસ્તાન હતી. ભાગલાની પીડા હજી શમી નહોતી. બાપુની આજ્ઞાથી જ હું પાકિસ્તાન ગયેલી. મને સવારે જ નવજીવન મળેલું. બાપુનો લેખ વાંચીને હું મારા દિવસના કામે ચડી. સાંજની પ્રાર્થનામાં જવા માટે એ મનુ અને આભા સાથે નીકળ્યા…

પાકિસ્તાન રેડિયો પર એમને ગોળી વાગ્યાના સમાચાર સાંભળીને મારા પ્રાણ સુકાઈ ગયેલા. હું પાકિસ્તાનથી પાછી ફરી ત્યારે એમની ચિતાને અગ્નિદાહ અપાવાનો બાકી હતો… બાપુને સૂતેલા જોઈને મારી આંખો ભરાઈ આવી. એક જાણીતા કવિની પંક્તિ એ દિવસના અખબારમાં છપાયેલી, “આટલાં ફૂલો વચ્ચે અને આટલી નિરાંતે ગાંધી કદી સૂતા નથી!

આજે ‘મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ ઓફ સાયન્સ’નું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે મને બાપુનો ચહેરો દેખાય છે. એ કહી રહ્યા છે, “મારા એકેએક દેશવાસીને જ્યાં સુધી પૂરેપૂરી દાક્તરી સુવિધાઓ ન મળે ત્યાં સુધી અટકતી નહીં સુશીલા…

એમણે ૧પ ઑગસ્ટ, ૧૯૪૭ના દિવસે કહેલું, “મારી કલ્પનાનું સ્વરાજ હજી આવ્યું નથી.

આજે, સ્વરાજ્યના બે દાયકા પૂરાં થયા ને ઉપર બે વર્ષ ગયા હોવા છતાં, બાપુની કલ્પનાનું સ્વરાજ તો આપણે નથી જ પામી

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s